Education Scholarship
શ્રી લોહાણા મહાપરિષદ સ્થાપિત
સ્વ. શ્રી રોનક પ્રતાપભાઈ દત્તાણી એજ્યુકેશન ફાઉન્ડેશન
સારુ અને ઉચ્ચ શિક્ષણ એ સમાજના કોઈ પણ વર્ગનાં બાળક, કિશોર તેમજ યુવા વ્યક્તિના ઉજ્જવળ ભવિષ્ય, કારકિર્દી અને સુખી જીવનમાં અતિ અગત્યનો ભાગ ભજવે છે. સુશિક્ષિત નાગરિક સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ અને જીવન ઘડતરનાં મુખ્ય અને પાયાનાં વિચારો તેમજ સિદ્ધાંતોને સારી રીતે સમજી તેનો સુપેરે અમલ કરી તેમજ કરાવી શકે છે જેનાથી જીવન ધોરણ તેમજ જીવન મૂલ્યો વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજીક રીતે ઉચ્ચ, મજબૂત, અનુશાસિત તેમજ રાષ્ટ્રદાઝની ભાવનાથી યુક્ત બને છે.
રઘુવંશી સમાજ વિશ્વભરમાં ફેલાયેલો છે. પરદેશમાં વસતા આપણા ભાઈઓનાં પરીવારનાં સભ્યો આવું શિક્ષણ પામી રહ્યાં છે. ભારતભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતનાં અન્ય ભાગો તેમજ મહારાષ્ટ્ર, વિદર્ભ, ઉત્તર-પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારતમાં વસતા રઘુવંશી પરિવારો પૈકી એવા ઘણાં પરીવારનાં બાળકો, કિશોરો તેમજ યુવા ભાઈ બ્હેનો તેઓની સામાજીક, આર્થિક, પરીવારીક કે અન્ય વ્યાજબી અને દેખીતી સમસ્યાઓના કારણે પાયાનું, સારું તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી જેમાં નબળું આર્થિક પાસું તેનાં મૂળમાં રહેલું દેખાય છે.
આપણાં જ રઘુવંશી પરિવારોનાં ભાવિ નાગરિકો શિક્ષિત, બુદ્ધિમંદ તેમજ પ્રબુદ્ધ બને, સમાજ અને દેશની સારી સેવા કરી શકે તેમજ પોતાના પરિવારની પ્રગતિ અને સફળતાનાં નિર્મીત્ત બને તેવી શુભ ભાવના સાથે આવા દરેક પરિવારને શિક્ષણ શિષ્યવૃત્તિનાં સહકારથી પ્રેરીત કરવાનો રઘુવંશીઓની વૈશ્વિક સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદનો આ એક નમ્ર પ્રયાસ છે.
તા. 3-10-2010 નાં રોજ રાષ્ટ્રપિતા પ.પૂ. મહાત્મા ગાંધીજીનાં જન્મસ્થળ પોરબંદર મધ્યે મળેલ શ્રી લોહાણા મહાપરિષદની કારોબારી સભામાં લેવાયેલ નિર્ણય મુજબ રઘુવંશી શ્રેષ્ઠી શ્રી પ્રતાપરાય કલ્યાણજી દત્તાણીની તેમનાં સ્વ. પુત્ર શ્રી રોનક દત્તાણીની પૂણ્ય સ્મૃતિમાં ભાઈ શ્રી રાજેશ તુલસીદાસ હાથીની પ્રેરણા અને સક્રિય સહકારથી રુ. 1 કરોડ 1 લાખનાં સ્થાયી ભંડોળ (કોર્પસ ફંડ) ની જાહેરાત સાથે ઓછામાં ઓછા રુ. 25 કરોડનું સ્થાયી ભંડોળ (કોર્પસ ફંડ) શિક્ષણ શિષ્યવૃત્તિ માટેનાં શુભ હેતુસર ઉભું કરવાના નિર્ધાર સાથે આ એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે.
આવીજ શુભ ભાવના સાથે માતુશ્રી વાસંતાબેન હંસરાજ કેસરીયા ફાઉન્ડેશન પણ આપણી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા સંચાલિત થાય છે. નિર્ધારીત અથવા જરુરી સ્થાયી ભંડોળ ઉભું થતાં સુધી વચગાળાના માર્ગરુપે શ્રી ધીરજલાલ ગોપાલજી જીવરાજાણી તથા માતુશ્રી મંજુલાબેન ધીરજલાલ જીવરાજાણી તથા પરમ ગૌ ભક્ત શ્રી પ્રવિણભાઈ દયાળજીભાઈ ઠક્કરના સક્રિય સહકાર સાથે આપણે આ વર્ષે 2010-2011 નાં વર્ષમાં અંદાજે રુ. 25 લાખ ઉપરાંતની શિક્ષણ શિષ્યવૃત્તિ ઉચ્ચ કન્યા કેળવણી અર્થે આપી ચૂક્યા છીએ.
આ એજ્યુકેશન ફાઉન્ડેશનનું કાયમી નિર્ધારીત ભંડોળ ઉભું કરવાનાં શુભ કાર્યમાં આપ સૌ રઘુવંશીઓ, જ્ઞાતિશ્રેષ્ઠીઓ તેમજ સુજ્ઞ દાતાશ્રીઓનો પૂર્ણ સહકાર મળશે જ તેવી અચુક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન રામચંદ્રજી, રઘુવંશી શુરવીર પૂ. વીરદાદા જશરાજ, દેવ દરિયાલાલ તથા સંત પૂ. જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના.



